ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી શરૂ થઇ? આપને જણાવીએ કે, જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી. તે સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવી હતી. લોકો ભગવાન શ્રી રામની રાવણ પરની જીતને ઉજવણી કરવા આ દિવસે જલેબી ખાય છે. હિંદુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઇએ. જેથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે.અત્રે જણાવીએ કે, એવી પણ લોકવાયકા છે કે, ભગવાન શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ માટે ચણાના લોટમાંથી ફાફડા સાથે ગરમ જલેબી બનાવતા હતા. ત્યારથી એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂરા થતાં ઉપવાસનો અંત ચણાનો લોટ એટલે કે,ફાફડા અને જલેબી ખાવાથી જ કરવો જોઈએ.આ ઉપરાંત બજી એક એ પણ વાત છે કે, આ સિઝનમાં જલેબી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અત્યારે હવામાનમાં ખૂબ જ ફેરફાર આવતા હોય છે. જેના કારણે ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઇ જાય છે. ગરમા ગરમ જલેબી ખાવાથી માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે. તેમાં ટિરામાઇન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઇ જાય છે. પરંતુ જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે જેનો અર્થ એવો પણ નથી તમે ભરપૂર પ્રમાણમાં જલેબી ખાઓ.