તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ વ્યાપાર જગતને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સીધો 62 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ રાજધાની દિલ્હીમાં હવે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત વધીને 2 હજાર 810 રૂપિયા થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ કોમર્શિયલ LPGના ભાવમાં 9 રૂપિયા 50 પૈસાનો વધારો થયો હતો અને હવે ફરી એકવાર ભાવ વધારાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિંગ સંચાલકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ભાવવધારાનો સીધો બોજ નાના વેપારીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓના બજેટ પર પડશે. સાથે જ ગેસના ભાવ વધતાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.