લગ્ન પ્રસંગમાં પીરસાતી સ્વાદિષ્ટ વરા ની દાળ બનાવવાની સરળ રીત
ઘરમાં રોજ બનતી દાળ અને લગ્ન પ્રસંગમાં પીરસાતી દાળ સ્વાદમાં અલગ હોય છે. લગ્ન પ્રસંગમાં બનતી દાળ પણ તુવેરની જ દાળ હોય છે પણ તુવેરની દાળને બનાવવાની રીત તેને સાદી દાળ નહીં પણ વરા ની દાળ બનાવે છે. વરા ની દાળ કઈ રીતે બનાવવાની ચાલો જાણીએ.
તમે પણ નોટિસ કર્યું હશે કે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ કાર્યક્રમમાં જમવા ગયા હોય ત્યારે જે દાળ આપણે ખાતા હોય છે તેનો સ્વાદ ઘરમાં રોજ બનતી દાળ કરતાં ખૂબ જ અલગ હોય છે. ઘરની દાળ પણ સ્વાદિષ્ટ હોય છે પણ લગ્ન પ્રસંગની દાળમાં અલગ જ ટેસ્ટ હોય છે. આ દાળને વરા ની દાળ કહેવાય છે. જો તમને પણ લગ્ન પ્રસંગમાં પીરસાથી દાળ ભાવતી હોય તો ચાલો તમને જણાવીએ કેવી રીતે દાળ બનાવો તો તેનો સ્વાદ લગ્નમાં પીરસાથી વરોઠીની દાળ એટલે કે વરા ની દાળ જેવો આવે.
વરા ની દાળ પારંપરિક ગુજરાતી દાળ છે. મોટાભાગે લગ્ન પ્રસંગમાં તુવેરની દાળને આ રીતે બનાવવામાં આવે છે. જો તમે પણ ઘરે ખાસ મસાલા અને ખાસ રીતે તુવેરની દાળ વઘારો તો તેનો સ્વાદ વરા ની દાળ જેવો જ આવે. અહીં વરા ની દાળ બનાવવાની રીત જણાવેલી છે. આ રીતે બનાવશો તો ઘરે પણ લગ્ન પ્રસંગમાં હોય એવી જ ટેસ્ટી દાળ બનશે.
વરાની દાળ માટેની સામગ્રી
તુવેર દાળ 1 કપ
સિંગદાણા
આમલીની પેસ્ટ
2 ચમચી ગોળ
ગોળ
તેલ અને ઘી
1 ચમચી રાઈ
1 ચમચી જીરું
2 સુકા લાલ મરચાં
હીંગ
4 લવિંગ
તજના ટુકડા
બાદિયાન
લીમડાના પાન
અડધો કપ ઝીણા સમારેલા ટમેટા
1 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી મરચાંની પેસ્ટ
બાફેલા સિંગદાણા
હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ જરૂર અનુસાર
લીલા ધાણા
વરાની દાળ બનાવવાની રીત
સૌથી પહેલા દાળને પાણીથી સાફ કરી 30 મિનિટ પલાળો અને પછી હળદર ઉમેરી બાફી લો.
દાળ તૈયાર થાય ત્યાં સુધીમાં આમલીને પાણીમાં પલાળી તેની પેસ્ટ કરી લેવી.
દાળમાં ઉમેરવા માટે સિંગદાણા બાફી લેવા. તમે સિંગદાણાને દાળ સાથે બાફવા મુકી શકો છો.
દાળના વઘાર માટે તેલ અને ઘી બંને ગરમ કરો. તેલ-ઘી બંનેના વઘારથી દાળ સ્વાદિષ્ટ લાગે છે.
તેલ-ઘીમાં રાઈ, જીરું, સુકા મરચાં, લીમડો અને હીંગનો વઘાર કરો. સાથે જ તેમાં તજ, લવિંગ અને બાદિયાન ઉમેરો.
વઘારમાં ઝીણા સમારેલા ટમેટા અને મરચાં તેમજ આદુની પેસ્ટ ઉમેરી સાંતળો.
ટમેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.
મસાલા કુક થઈ જાય એટલે તેમાં બાફેલી દાળ અને સિંગદાણા ઉમેરી દો.
દાળ ઉકળવા લાગે એટલે દાળમાં ગોળ અને આમલીનો પલ્પ ઉમેરો અને દાળને ધીમા તાપે 10 થી 15 મિનિટ ઉકાળો.
જો દાળ વધારે ઘટ્ટ લાગતી હોય તો તેમાં ગરમ પાણી ઉમેરી દાળને જરૂર અનુસાર પાતળી કરવી.
છેલ્લે દાળમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.