અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી દીધી છે. સંસદનાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીની પકડ નબળી પડતાં હવે ટ્રમ્પ સામે રાજકીય પડકારોનો નવો મોરચો ખૂલ્યો છે. જજોની નિમણૂક હોય, બજેટની મંજૂરી હોય કે પછી ઈરાન યુદ્ધ. દરેક મોરચે ટ્રમ્પને ડેમોક્રેટ્સના વિરોધનો સામનો કરવો પડી શકે છે. સવાલ એ છે કે શું સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ ટ્રમ્પની સત્તા પર બ્રેક લાગશે? અને શું અમેરિકાના રાષ્ટ્રપતિ હવે પોતાની જ સંસદમાં ઘેરાશે? જોઈએ આ વિશેષ અહેવાલ
Donald Trump : અમેરિકાની રાજનીતિની ગલીઓમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં પોતાની પાર્ટીની હાર વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા તૈયાર છે પરંતુ સૌથી મોટો સવાલ એ નથી કે ટ્રમ્પની પાર્ટી હારી કે જીતી પરંતુ સૌથી મોટો અને મહત્ત્વનો સવાલ એ છે કે આ હાર બાદ હવે શું
- અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પાસે કેટલી સત્તા બાકી રહેશે?
- શું સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ ટ્રમ્પ નબળા રાષ્ટ્રપતિ બની જશે?
સૌથી પહેલાં વાત કરીએ અમેરિકાની સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટની.સેનેટમાં કુલ 100 બેઠકો હોય છે, જ્યાં બહુમતી માટે 51 બેઠકો જરૂરી હોય છે. ડેમોક્રેટ્સે અહીં બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે અને રિપબ્લિકન પાર્ટીએ સત્તા ગુમાવી છે. સેનેટમાં બહુમતી ગુમાવવાનો અર્થ છે કે ટ્રમ્પના માર્ગમાં સૌથી મોટો કાનૂની અવરોધ ઊભો થશે.
- મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ઝટકો
- અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ વધ્યું
- ટ્રમ્પ સામે હવે નવા પડકારો ઊભા થયા
- સેનેટમાં રિપબ્લિકન પાર્ટીએ બહુમતી ગુમાવી
- ટ્રમ્પ સામે મહાભિયોગનું જોખમ વધી શકે
પહેલો મોટો ઝટકો...
રાષ્ટ્રપતિ હવે પોતાની પસંદગીના જજોની નિમણૂક સરળતાથી નહીં કરી શકે. ફેડરલ અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના જજોની નિમણૂક માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે. હવે ડેમોક્રેટ્સ આ પ્રક્રિયામાં ટ્રમ્પ માટે મોટો અવરોધ ઊભો કરી શકે છે.
બીજો મોટો ઝટકો
મંત્રીઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓની નિમણૂક પર પણ બ્રેક લાગી શકે છે. કેબિનેટમાં પોતાની પસંદગીના લોકોને સ્થાન આપવું હવે ટ્રમ્પ માટે આસાન નહીં રહે, કારણ કે સેનેટમાં તેમને આકરા સવાલો અને વિરોધનો સામનો કરવો પડી શકે છે.
હવે વાત કરીએ નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની. જ્યાં કુલ 435 બેઠકો છે અને બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે. અહીં પણ રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી સત્તા સરકી ગઈ છે. હાઉસમાં બહુમતી ગુમાવવાથી ટ્રમ્પ પ્રશાસન સામે ત્રણ મોટા સંકટ ઊભા થઈ શકે છે.
| બજેટ અને નાણાંકીય વ્યવસ્થા પર નિયંત્રણ. | અમેરિકાના બંધારણ મુજબ દેશનું બજેટ હાઉસમાંથી પસાર થાય છે...ડેમોક્રેટ્સના હાથમાં નિયંત્રણ આવતાં ટ્રમ્પની નીતિઓ માટે ભંડોળ મેળવવું મુશ્કેલ બની શકે છે. |
| ઈરાન યુદ્ધને લઈને ખેંચતાણ | તાજેતરમાં ચૂંટણી પહેલાં ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલાઓને લઈને ડેમોક્રેટ્સ હવે યુદ્ધ અને સંરક્ષણ બજેટ પર કડક નિયંત્રણો લાદી શકે છે. યુદ્ધ માટેનું ભંડોળ રોકવાના મુદ્દે સંસદ અને વ્હાઇટ હાઉસ વચ્ચે સીધી ટક્કર થઈ શકે છે. |
| મહાભિયોગ અને તપાસનો ગાળિયો. | હાઉસ પાસે રાષ્ટ્રપતિ અને તેમના મંત્રીઓ વિરુદ્ધ તપાસ સમિતિઓ રચવાની સત્તા હોય છે. ઈરાનના મુદ્દે અને વહીવટી નિર્ણયો અંગે ટ્રમ્પ વિરુદ્ધ તપાસનો વ્યાપ વધી શકે છે. એટલું જ નહીં, મહાભિયોગનું જોખમ પણ ઊભું થઈ શકે છે. |
સરકાર ચલાવવી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી હોતી નથી
અમેરિકાના રાજકીય ઇતિહાસમાં આ સ્થિતિને 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ' એટલે કે વિભાજિત સરકાર કહેવામાં આવે છે...જ્યારે રાષ્ટ્રપતિ એક પાર્ટીનો હોય અને સંસદનાં બંને ગૃહો પર વિરોધી પાર્ટીનું નિયંત્રણ હોય, ત્યારે સરકાર ચલાવવી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી હોતી નથી. ટ્રમ્પ પાસે હવે પોતાનો બાકીનો કાર્યકાળ ચલાવવા માટે ટકરાવને બદલે રાજકીય સમજૂતી અને વાટાઘાટોનો માર્ગ અપનાવવાનો વિકલ્પ રહેશે.
હવે ટ્રમ્પને વિરોધ પક્ષના સહકારની જરૂર પડશે
મિડટર્મ ચૂંટણીમાં મળેલો આ પરાજય ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે વિદેશ નીતિના મોરચે કેટલાક વિશેષ અધિકારો ચોક્કસ હોય છે. પરંતુ દેશની અંદર એટલે કે સંસદમાં કાયદા પસાર કરાવવા, બજેટ મંજૂર કરાવવા અને જજોની નિમણૂક જેવા મહત્ત્વના મુદ્દાઓ પર હવે ટ્રમ્પને વિરોધ પક્ષના સહકારની જરૂર પડશે. ઈરાન સામે આક્રમક વલણ અપનાવનારા ટ્રમ્પ માટે હવે પોતાના જ દેશમાં રાજકીય પડકારોનો સામનો કરવો સૌથી મોટો પડકાર બની શકે છે.