SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: પાદરા કોંગ્રેસમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા, 182 વિધાનસભા બેઠકો પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન

Gujarat Breaking News Live Updates: 22 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 22, 2026, 15:58 IST | Updated: Nov 22, 2026, 20:17 IST
Join

Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
 

22 Nov 2026 20:15 IST

Gujarat News Live: પાદરા કોંગ્રેસમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા

વડોદરાના પાદરા તાલુકા અને શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાદરા નગરપાલિકાના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ માટે આ મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સીધો પડકાર ફેંક્યો હતો.

ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી મારી સાથે ચર્ચા કરે. ચર્ચા કરવી હોય તો ધારાસભ્ય તમને કાફી છે. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અહીં આવવાની જરૂર નહીં પડે. ધારાસભ્યના આ નિવેદનથી પાદરાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં થયેલા આ પક્ષપલટાની આગામી સમયમાં રાજકીય અસર જોવા મળી શકે છે.

22 Nov 2026 17:49 IST

Gujarat News Live: ‘મજૂરાનો દીકરો હંમેશા મજૂરાનો દીકરો જ રહેશે’: હર્ષ સંઘવી

સુરતમાં ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા પક્ષના પાયાના કાર્યકર્તાઓની મહેનત અને સમાજસેવાના કાર્યોને બિરદાવ્યા હતા.

હર્ષ સંઘવીએ કહ્યું કે, મારી સામે ચૂંટણી લડનારાઓએ મને નાનો છોકરો ગણાવ્યો હતો, પરંતુ મારો ભાજપ પરિવાર કેટલો મોટો છે તેની તેમને ખબર નહોતી. ચૂંટણીમાં વ્યક્તિના નામે નહીં, પરંતુ પાયાના કાર્યકર્તાઓની મહેનતથી મત મળે છે. ભાજપનો બુથ કાર્યકર્તા 365 દિવસ લોકોની સેવામાં રહે છે. વધુમાં તેમણે કહ્યું કે, મજૂરાનો દીકરો હંમેશા મજૂરાનો દીકરો જ રહેશે.

22 Nov 2026 17:44 IST

Gujarat News Live: મહેસાણા રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ

મહેસાણા રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 4-5 પરથી 3 વર્ષીય બાળકનું અપહરણ થયું છે. મહિલા બે બાળકો સાથે અમદાવાદથી રાજસ્થાન જવા નીકળી હતી. રાજસ્થાન જવા ટ્રેન બદલવા મહેસાણા પ્લેટફોર્મ પર ઉતરી હતી. બે બાળકો સાથે નીકળેલી મહિલાના એક બાળકનું અપહરણ થયું છે.

ભીક્ષા માંગીને ગુજરાન ચલાવતી મહિલા ગુટખા ખાવાની ટેવ ધરાવતી હતી. આ દરમિયાન તેનો પરિચય એક અજાણ્યા યુવક સાથે થયો હતો. યુવકે ગુટખાની લાલચ આપતાં મહિલાએ પોતાના ત્રણ વર્ષના બાળકને રમાડવા માટે તેની પાસે સોંપ્યો હતો. જોકે, તકનો લાભ લઈને અજાણ્યો યુવક બાળકને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે મહેસાણા રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બાળકના અપહરણના 13 દિવસ બાદ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

22 Nov 2026 16:33 IST

Gujarat News Live: અમદાવાદ સહિત 182 વિધાનસભામાં ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન

ગુજરાતમાં નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ભાજપ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની તમામ વિધાનસભા બેઠકોમાં પણ સ્નેહમિલનનું આયોજન. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને કાર્યકરો અને નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકનું સ્નેહમિલન ઓગણજ ખાતે યોજાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યારે ગોતા ખાતે પણ મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, સ્થાનિક નાગરિકો, વિવિધ સાધુ-સંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. 

22 Nov 2026 16:31 IST

Gujarat News Live: ડાંગમાં પાક નુકસાન મામલે ભૂખ હડતાળ

ડાંગ જિલ્લામાં પાક નુકસાનના વળતરની માંગ સાથે સામાજિક આગેવાન મહેશ આહીર દ્વારા શરૂ કરાયેલી ભૂખ હડતાળ ચોથા દિવસે પણ યથાવત્ રહી છે. કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે સરકારના મૌન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મહેશ આહીરનો આક્ષેપ છે કે ડાંગ કલેક્ટર સમક્ષ ત્રણ વખત રજૂઆત કરવા છતાં પાક નુકસાન અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. છેલ્લા ચાર દિવસથી અન્નનો ત્યાગ કરીને આંદોલન કરી રહેલા મહેશ આહીરની ચોથા દિવસે તબિયત લથડી છે. તેમ છતાં તંત્ર દ્વારા તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

22 Nov 2026 16:29 IST

Gujarat News Live: દિલજીતના કોન્સર્ટમાં મોબાઈલ ચોરતી દિલ્હીની ગેંગ ઝડપાઈ

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી કરતી દિલ્હીની ગેંગ ઝડપાઈ. LCB ઝોન-2ની ટીમે બાતમીના આધારે ગેટ પાસે વોચ ગોઠવી બે શખ્સોને દબોચી લીધા. પકડાયેલા આરોપીઓમાં મોહમદ અસદ અને અશરફ હુસેનનો સમાવેશ થાય છે, બંને દિલ્હીના રહેવાસી છે. આરોપીઓ પાસેથી કુલ 11 મોબાઈલ ફોન કબજે કરાયા છે, જેની કિંમત આશરે 4.30 લાખ થાય છે. ચોરાયેલા મુદ્દામાલમાં આઈફોન, સેમસંગ, વનપ્લસ, રેડમી અને નથિંગ કંપનીના મોબાઈલ ફોન છે.

22 Nov 2026 16:23 IST

Gujarat News Live: વાપીમાં ખંડણીના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

વાપીમાં એક જ્વેલર્સ પાસેથી પાંચ કરોડની ખંડણી માગનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે, ત્યારે એક આરોપીએ પોલીસ કબજામાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. વાપીના અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પર કરોડની ખંડણી મામલે જીવલેણ હુમલો કર્યો હતો. દુબઈની જેલમાં રહેલા કથિત ગેંગસ્ટર હેરીના ઇશારે ખંડણી માટે જ્વેલર્સ માલિકના ભાઈ પર હુમલો થયો હતો. પોલીસ ફાયરિંગથી ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે વાપી હોસ્પિટલમાં ખસેડ્યો છે. 

22 Nov 2026 16:23 IST

Gujarat News Live: દ્વારકા જગત મંદિરમાં VIP દર્શન અંગેની ઓડિયો કલીપ વાયરલ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શન અંગેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. સ્થાનિક અને તીર્થપુરોહીત વચ્ચેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વ્યક્તિદીઠ VIP દર્શન માટે 1 હજાર રૂપિયા લેતા હોવાનો દાવો છે. 3 વ્યક્તિના VIP દર્શન માટે 2100 રૂપિયાની માંગ કરતો ઓડિયોમાં ઉલ્લેખ છે. સમગ્ર વાતચીતનો ઓડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા જાગી છે. 

22 Nov 2026 16:01 IST

Gujarat News Live: ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન, 20 વર્ષ જૂના બાંધકામો પર ફર્યું બુલડોઝર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લાટી ગામે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. 28 જેટલા રહેણાંક મકાનો સહિત 6 ખેતીલક્ષી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 15થી 20 વર્ષ જૂના બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ડિમોલેશન માટે 6 જેટલા JCB મશીનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. મામલતદાર તથા નાયબ મામલતદાર સહિત મહેસૂલ વિભાગનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES