SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

દ્વારકામાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી, કલોલમાં એક કલાકમાં ચેઇન સ્નેચિંગની બે ઘટના, જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત

Gujarat Breaking News Live Updates: 21 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 21, 2026, 16:05 IST | Updated: Nov 21, 2026, 22:01 IST
Join

Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

 

21 Nov 2026 21:45 IST

Gujarat News Live: કલોલમાં એક કલાકમાં ચેઇન સ્નેચિંગની બે ઘટના

કલોલમાં બેખૌફ ચેઇન સ્નેચરોએ એક જ કલાકમાં બે મહિલાઓ અને જ્વેલર્સને નિશાન બનાવી 2.93 લાખથી વધુના સોનાના દાગીનાની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. પ્રથમ ઘટનામાં સઈજ સર્વિસ રોડ પર મોર્નિંગ વોક કરીને એક્ટિવા પર પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી બાઇકસવાર શખ્સો 93,500ની સોનાની ચેઇન તોડી ફરાર થયા હતા. ગુરુકુળ કોલેજ સામે આસ્થા પાર્લર નજીક આ ઘટના બની હતી.

બીજી ઘટનામાં વર્ધમાનનગરમાં પાણીની ટાંકી પાસે જ્વેલર્સ મનિષ શાહના ગળામાંથી 2 લાખની ચેઇન અને પેન્ડલની ચીલઝડપ કરાઈ હતી. બંને ઘટનાઓમાં કાળા રંગનાં ટુ-વ્હીલરનો ઉપયોગ કરાયો હતો. સીસીટીવીમાં શખ્સો કેદ થયા છે. કલોલ શહેર અને તાલુકા પોલીસે અલગ-અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

21 Nov 2026 21:43 IST

Gujarat News Live: દ્વારકામાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી

દ્વારકાના જગત મંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન પર્વે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના રાણીવાસમાં બિરાજમાન ગોપાલજી સ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વાજતે-ગાજતે ગોપાલજીનો ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો. આ વરઘોડામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં ઠાકોરજી અને તુલસીજીના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ગૌધૂલી સમયે મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા. દેવઉઠી એકાદશી ચાતુર્માસની પૂર્ણાહુતિનું પ્રતીક છે. આ પર્વ સાથે જ ચાર મહિના બંધ રહેલા શુભ અને માંગલિક કાર્યોનો પુનઃપ્રારંભ થશે.

21 Nov 2026 21:12 IST

Gujarat News Live: જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત

રાજકોટના જેતપુરના નવાગઢ સરધારપુર દરવાજા વિસ્તારમાં 20 વર્ષીય જેનિશ ટાંકે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં જેનિશે પરિવારજનો માટે સુસાઇડ નોટ લખી હતી. જેમાં માતા-પિતાને પોતાનું ધ્યાન રાખવા અને ભાઈને નેવીમાં જવા માટે પૈસા આપી દેવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં પ્રીતભાઈ પાસેથી મજૂરી કામના રૂ.2.50 લાખ લેવાના હતા, જેમાંથી માત્ર રૂ.80 હજાર જ પરત મળ્યા હોવાનું લખ્યું હતું. બાકીની રકમ નહીં મળતા માનસિક રીતે દુઃખી હોવાનું જણાવ્યું હતું. જામનગરના જયભાઈ પાસેથી પણ રૂ.40 હજાર લેવાના હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વોટ્સએપ પર લખેલી સુસાઇડ નોટમાં જેનિશે પોતાના આપઘાત માટે પ્રીતભાઈને જવાબદાર ઠેરવ્યા હોવાનો ઉલ્લેખ છે. ઉદ્યોગનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

21 Nov 2026 20:26 IST

Gujarat News Live: અંબાજીમાં સગર્ભા મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, 20 વર્ષીય યુવકની ધરપકડ

અંબાજીના હડાદ પોલીસને સગર્ભા મહિલાની હત્યાના ગુનામાં ગણતરીના કલાકોમાં સફળતા મળી છે. કેશરપુરાની સીમમાંથી 19 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતક મહિલા છ માસની સગર્ભા હોવાનું સામે આવ્યું હતું. મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના મોતને પગલે પોલીસે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને મહત્વની કડી મળી હતી. પ્રેમપ્રકરણની આશંકાને આધારે તપાસ કરતા કેશરપુરાના 20 વર્ષીય વિજય રમેશ સોલંકીની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

21 Nov 2026 18:52 IST

Gujarat News Live: દ્વારકા મંદિરમાં ફોટોગ્રાફી માટે હવે ફી વસુલાશે!

દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફીને વીડિયોગ્રાફીને લઈને ઠરાવનો ફોટોગ્રાફ વાયરલ થયો છે. હવે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરાવી હશે તો પૂર્વ મંજૂરી લેવી પડશે તેવો ફોટો વાયરલ થયો છે, તો ભોગ-મનોરથ, ધ્વજાજી અને વિવિધ ઉત્સવોની ફોટો ગ્રાફિક માટે 2500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે. સમગ્ર ઠરાવનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ ફોટો મુદ્દે મંદિર દ્વારા હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

21 Nov 2026 18:47 IST

Gujarat News Live: AMC સંકલન બેઠકમાં એલિસબ્રિજ ધારાસભ્યની રજૂઆત

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી AMCની સંકલન સમિતિની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે રજૂઆત કરી હતી. સાથે જ વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આકાર આપવા બદલ કોર્પોરેશન અને તંત્રનો આભાર માન્યો હતો. બુટ ભવાની ફાટકથી ચામુંડા અંડરપાસ થઈ મકરબા બ્રિજ સુધીના માર્ગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.

સરખેજ રેલવે સ્ટેશન સુધી નવા માર્ગ અને બ્રિજની માંગણી અંગે પણ પ્રગતિની વાત કરી હતી. બે-ત્રણ મહિનામાં કેન્યુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર સુધીનો રોડ ઓલિમ્પિક રોડ તરીકે વિકસિત થવાની શક્યતા દર્શાવી હતી. શ્યામલ ચાર રસ્તા, 132 ફૂટ રિંગ રોડ, તળાવ ડેવલપમેન્ટ, ગયાસપુરની માળખાકીય સુવિધાઓ, નવા રસ્તા અને શાળાઓમાં મેદાનની સુવિધા અંગે પણ રજૂઆતો કરી હતી. વેજલપુર બ્રિજનું કામ ફેબ્રુઆરી આસપાસ પૂર્ણ થઈ શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી.

21 Nov 2026 17:14 IST

Gujarat News Live: વિસાવદરના રબારીકા ગામે ખેડૂત પર સિંહણનો હુમલો, સારવાર દરમિયાન મોત

વિસાવદરના રબારીકા ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત વેલજી દાફલા પર સિંહણે હુમલો કર્યો હતો. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિસાવદર રેન્જના ઘાસ રાઉન્ડમાં શોભાવડલા બીટ હેઠળના રબારીકા ગામે ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. 

21 Nov 2026 16:59 IST

Gujarat News Live: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુંનું હાર્ટ એટેકથી મોત

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઉપલા દાતાર પાસે એક શ્રદ્ધાળુંનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમ બાપુની આજ્ઞાથી સેવકોએ મૃતદેહ નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરી.  મૃતદેહ નીચે લઈ આવવા માટે સ્થાનિક બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓ, વન વિભાગનો સ્ટાફ અને પોલીસ કર્મીઓ પણ સાથે રહ્યા હતા.

21 Nov 2026 16:15 IST

Gujarat News Live: અમરેલીમાં ભાજપના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ

અમરેલીના રાજુલા તાલુકા ભાજપના સોશિયલ મિડિયા ઈન્ચાર્જ વિક્રમ સાખટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી વિક્રમ સાંખટને ભાજપના તમામ હોદા પરથી દુર કરાયા છે. વિક્રમ સાંખટ પર લાગેલા ગંભીર આરોપથી ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કાર્યવાહી કરી છે. 
 

21 Nov 2026 16:08 IST

Gujarat News Live: નલ સે જલ કૌભાંડમાં સરકારની મોટી કાર્યવાહી

મહીસાગરમાં નલ સે જલ યોજનામાં કરોડોના કૌભાંડ મામલે વાસ્મોએ મોટી કાર્યવાહી કરી છે.  મહીસાગરના તત્કાલીન મેનેજર નિકુંજ કનુભાઈ વાળંદને કરાર આધારિત સેવામાંથી ટર્મિનેટ કરાયા છે. 2019થી 2022 દરમિયાન મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ 123.22 કરોડની ઉચાપત અને આર્થિક નુકસાન પહોંચાડવાનો તેમના પર ગંભીર આરોપ છે.

પાઈપલાઈન અને ઘર જોડાણોના કામોમાં ખોટા બિલો અને દસ્તાવેજો રજૂ કરી મળતિયાઓને લાભ કરાવ્યાનો તપાસમાં ખુલાસો થયો છે. વાસ્મોના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કરારનો અંત લાવી, કર્મચારીની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનો કડક આદેશ આપ્યો છે. 

21 Nov 2026 16:07 IST

Gujarat News Live: આદિવાસી વિસ્તારમાં CMની મુલાકાત બાદ રાજનીતિ શરૂ

તાજેતરમાં CM ભુપેન્દ્ર પટેલે આદિવાસી વિસ્તારોની મુલાકાત લીધી હતી. જે બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમના આક્ષેપ સામે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલે કહ્યું કે, ભાજપ માટે આદિવાસી વિસ્તાર એ મતબેંક નથી. ભુપેન્દ્ર પટેલે જે વ્યક્તિ સાથે ભોજન લીધું એ લોકોને એકત્રિત કરવાના ઉદેશ્યથી લીધું હતું. આદિવાસીઓને ખોટી રીતે ભ્રમિત કરવાનો પ્રયાસ અમિત ચાવડા ન કરે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES