UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ 2026ને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ ગુજરાત ઉત્તરાખંડ બાદ યુસીસી લાગૂ કરનારુ દેશનું બીજું રાજ્ય બન્યું છે. જાણો આ કાયદાથી શું અસર થશે.
ગુજરાતમાં હવે વ્યક્તિગત કાયદાના ક્ષેત્રમાં મોટો ફેરફાર થયો છે...રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગુજરાતનું UCC બિલ કાયદો બન્યું છે અને તેના અમલ સાથે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓ માટે એકસમાન કાનૂની માળખું અમલમાં આવ્યું છે. શું છે UCCની મુખ્ય જોગવાઈઓ અને તેને લઈને શું કહે છે કાયદાના જાણકારો?... જોઈએ આ ખાસ રિપોર્ટમાં
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCને લઈને લાંબી પ્રક્રિયા બાદ હવે કાયદાકીય અમલનો તબક્કો શરૂ થયો છે. ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026માં UCC બિલ પસાર થયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા બિલને કાયદાનું સ્વરૂપ મળ્યું છે.
UCC હેઠળ લગ્ન અને છૂટાછેડા માટે એકસમાન કાનૂની જોગવાઈઓ, લગ્ન અને છૂટાછેડાની નોંધણી તથા વારસાઈ અને મિલકત સંબંધિત નિયમોમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે....લિવ-ઇન રિલેશનશિપને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવી છે અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોના અધિકારોને કાનૂની સુરક્ષા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
UCCમાં શું જોગવાઈ?
લગ્ન અને છૂટાછેડા માટે એકસમાન કાનૂની જોગવાઈ
લગ્ન-છૂટાછેડાની નોંધણી, વારસાઈ-મિલકત નિયમોમાં એકરૂપતા
લિવ-ઇન રિલેશનશિપને કાયદાના દાયરામાં લાવવામાં આવી
જન્મેલા બાળકોના અધિકારોને કાનૂની સુરક્ષા આપવાની જોગવાઈ
વારસાઈના મામલે દીકરા અને દીકરીને સમાન અધિકાર આપવાની જોગવાઈ પણ UCCના મહત્વના મુદ્દાઓમાં છે. જોકે, અનુસૂચિત જનજાતિઓ અને બંધારણીય રીતે સુરક્ષિત કેટલીક પરંપરાઓ માટે કાયદામાં અપવાદ રાખવામાં આવ્યા છે.
UCCની પ્રક્રિયા દરમિયાન રચાયેલી કમિટી સમક્ષ પણ અનવર હુસેન શેખે રજૂઆતો કરી હતી. તેમના મતે અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓના કારણે ચાલતી કેટલીક લાંબી કાનૂની પ્રક્રિયાઓમાં એકરૂપતા આવી શકે છે.
એક તરફ સરકાર UCCને સમાનતા અને કાનૂની એકરૂપતા તરફનું પગલું ગણાવી રહી છે...તો બીજી તરફ તેના અમલ અંગે જનજાગૃતિ અને કાયદાની જોગવાઈઓને સરળ ભાષામાં સમજાવવાની જરૂરિયાત પણ સામે આવી રહી છે.
હવે ગુજરાતમાં સૌથી મોટો સવાલ એ રહેશે કે નવા કાયદાની જોગવાઈઓનો જમીન પર અમલ કેવી રીતે થાય છે...અને સામાન્ય નાગરિકના લગ્નથી લઈને વારસાઈ સુધીના કાયદાકીય જીવનમાં તેનો વાસ્તવિક ફેરફાર કેટલો પડે છે.