નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!
Navsari Hybrid Ganjo : નવસારી LCB પોલીસે હાઈબ્રિડ ગાંજાની કરોડોની કાર્ટેલનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર NDPSના ગુનામાં મુખ્ય કાર્ટેલને ઝડપી પાડવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઈવે પરથી બે કારમાં લઈ જવાતો 3.28 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો.
Navsari Hybrid Ganjo : નવસારી LCB પોલીસે હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પરથી બે કારમાં લઈ જવાતો રૂપિયા 3.28 કરોડની કિંમતનો 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો (OG) ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય પેડલર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર NDPSના ગુનામાં મુખ્ય કાર્ટેલને ઝડપી પાડવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.
સરકારી ભરતીની તૈયારી કરતા લોકો સાવધાન! મહીસાગરમાં 58 ઉમેદવારો સાથે લાખોની છેતરપિંડી
રૂપિયા 3.28 કરોડનો ગાંજો ઝડપાયો
પોલીસને મળેલી બાતમીના આધારે LCBની ટીમે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બે શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ વડોદરા ખાતે હાઈબ્રિડ ગાંજાનો થોડો જથ્થો પહોંચાડીને વાપી તરફ જઈ રહ્યા હતા. પોલીસે બંને કારમાંથી કુલ 9.375 કિલો OG ગાંજો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 3.28 કરોડ થાય છે.
મુખ્ય પેડલર પ્રમોદ પાઠક સહિત ચારની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય પેડલર પ્રમોદ પાઠક સહિત મિકેત પટેલ, પ્રેમચંદ ઉર્ફે લાલજી યાદવ અને વિષ્ણુ સિંગને ઝડપી પાડ્યા છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. આટલી મોટી કિંમતનો હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
બેંગકોકના રોની સહિત 9 આરોપીઓ વોન્ટેડ
પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર થયેલા વિકાસ, વડોદરાના જયંતી અને બેંગકોકના રોની સહિત કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હવે પોલીસ આ સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંકળાયેલું છે, ગાંજાનો જથ્થો ક્યાંથી આવતો હતો અને રાજ્યમાં તેનું વિતરણ કેવી રીતે થતું હતું તે દિશામાં તપાસ કરી રહી છે.