સરકારી ભરતીની તૈયારી કરતા લોકો સાવધાન! મહીસાગરમાં 58 ઉમેદવારો સાથે લાખોની છેતરપિંડી
Mahisagar Govt Job Fraud : મહીસાગર જિલ્લામાં સરકારી નોકરીના નામે 58 યુવક-યુવતીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈમરજન્સી સેવા 112 અને 181 હેલ્પલાઇનમાં નોકરી અપાવવાની લાલચ આપી એક શખ્સે ઉમેદવારો પાસેથી કુલ રૂપિયા 11.20 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે.
Mahisagar Govt Job Fraud : મહીસાગર જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના નામે યુવક-યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સરકારી વિભાગમાં નોકરી મેળવવા માગતા 58 જેટલા ઉમેદવારોને નિશાન બનાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના વ્યક્તિએ 112 ઇમરજન્સી સેવા અને 181 અભયમ હેલ્પલાઇનમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ ઉમેદવારોને સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ઉમેદવારો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક સંબંધિત દસ્તાવેજો સહિતના જરૂરી કાગળો મેળવી લીધા હતા.
સુરેન્દ્રનગર NCC કેડેટ્સનો ડંકો: ઇન્ટર બટાલિયન ફાયરિંગ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયનને પ્રથમ સ્થાન, 13 વિદ્યાર્થીઓ મેડલ વિજેતા
સરકારી નોકરીના નામે લાખો ખંખેર્યા
નોકરી અપાવવાના બહાને 58 જેટલા ઉમેદવારો પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂપિયા 11,20,650 જેટલી રકમ પણ વસૂલવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. જોકે, રૂપિયા અને જરૂરી દસ્તાવેજો મેળવી લીધા બાદ ઉમેદવારોને નોકરી અપાવવામાં આવી નહોતી.
બીજી તરફ, ઉમેદવારોએ પોતાના રૂપિયા પરત માગતા આરોપી દ્વારા રૂપિયા પણ પરત કરવામાં આવ્યા નહોતા. નોકરીની આશામાં લાખો રૂપિયા ગુમાવનારા ઉમેદવારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આખરે પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ મામલે સંતરામપુરના હિતેશ બારીયા નામના યુવકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મહીપાલસિંહ વિજયસિંહ જાદવ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી નોકરીની લાલચમાં 58 જેટલા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવવાના આ કિસ્સાએ જિલ્લામાં ચર્ચા જગાવી છે. પોલીસ તપાસમાં છેતરપિંડીના સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત ભોગ બનેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.