ઈન્ટિરિયરના નામે ઠગાઈ: સિંધુભવન રોડના 'સ્ટાઈલિંગ સ્ટુડિયો'ની માલિક મિતા ચાંદક સામે ફરિયાદ, રિલ્સ જોઈ ભોળવાતા નહીં
Nine Project Styling Studio : હાલ જ્યાં જોવા ત્યાં દિવાળીની રોનક છવાઈ છે. ઘરથી લઈને છેક જાહેર જગ્યાઓ પર પણ રોશની ઝળહળી રહી છે ત્યારે ઘરને ઉર્જાવાન બનાવવા માટે લોકો ઈન્ટિરિયર ડિઝાઈનરનો પણ સંપર્ક કરી રહ્યા છે પરંતુ રૂપિયા આપીને લેવાતી સર્વિસ પણ હવે દગાબાજો માટે નવું હથિયાર સાબિત થયું છે. કારણ કે પાટણના હારીજમાં બન્યો છે ઠગબાજીનો એક એવો કિસ્સો. જેમાં ગ્રાહકે રૂપિયા તો આપી દીધા પણ જોઈતી સર્વિસ ન મળતા આખરે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ત્યારે શું છે સમગ્ર કિસ્સો જોઈએ આ અહેવાલમાં...
આજના જમાનામાં સોશિયલ મીડિયા એ બેધારી તલવાર જેવું કામકાજ કરે છે. એક તરફ સાયબર ઠગબાજો ગુનાને અંજામ આપવા સોશિયલ મીડિયા વાપરે છે. તો બીજી તરફ સર્વિસના નામે રૂપિયા પડાવતા અને મોટી મોટી વાતો કરીને પણ કશું કામ ન કરતા તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. આવી જ રીતે સોશિયલ મીડિયામાં સારું કામ કર્યા હોવાનું બતાડીને એક મહિલાએ પાટણના હારીજમાં રહેતા વેપારી પાસેથી પડાવ્યા છે લાખો રૂપિયા.
- શું તમારે પણ ઘરનું રિનોવેશન કરવું છે?
- ઘરમાં ઈન્ટિરિયર કામકાજ કરાવવું છે?
- શું તમે ઘરમાં ફેરફાર માટે યોગ્ય ખર્ચ કરી શકશો?
વીડિયો જોઈના કામ આપવાની ઉતાવળ ના કરતા
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલું છે નાઈન પ્રોજેક્ટ એટલે કે સ્ટાઈલિંગ સ્ટુડિયો. જેના માલિક છે મિતા પવનકુમાર ચાંદક. જેેઓ પોતાના ઈન્ટિરિયર ડિઝાઈનર હોવાના વ્યવસાયને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ કરે છે.
મિતા ચાંદકના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને વીડિયોની ક્વોલિટી તેમજ રિલ્સમાં તેમનું કામ જોઈને પાટણના હારીજમાં રહેતા દેવાંગ નામના વેપારી પ્રભાવિત થયા હતા અને મિતા ચાંદકને આપી બેઠા લાખો રૂપિયા હતા. જોકે, મિતા ચાંદકે આ કામ ન પૂરું ન કર્યા હોવાના આક્ષેપો ફરિયાદમાં છે. સિંઘુ ભવન રોડ પર આવેલો આ ડિઝાઈનર સ્ટુડિયો એ ફેમસ છે.
મિતા ચાંદક એન્ડ કંપનીને 16 લોકોએ ફટકારી છે લિગલ નોટિસ
ફરિયાદી દેવાંગ ઠક્કરે પોતાના અમદાવાદ ખાતે ભાડજ વિસ્તારમાં આવેલા મકાન માટે મીતા ચાંદકનો સંપર્ક કર્યો હતો. જો કે, શરૂઆતમાં સારી-સારી વાતો કર્યા બાદ રૂપિયા પડાવીને મિતા એન્ડ કંપનીએ સંપર્ક જ તોડી નાખ્યો હતો. જો કે, એવા પણ આરોપો છે કે આ પહેલી ફરિયાદ નથી મિતા ચાંદક એન્ડ કંપની સામે આ પહેલાં પણ 16 લોકોએે લીગલ નોટિસ ફટકારી છે...
64 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ મીતા એન્ડ કંપનીએ કામ અધૂરું છોડી દેતાં હારીજના વેપારીએ ચૂનો ચોપડનારી મિતા ચાંદક એન્ડ કંપની સામે હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરુ થઈ ચૂકી છે. બીજી તરફ અન્ય ભોગ બનનારાઓ પણ સામે આવી રહ્યા છે. આ સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. સાથે જ છેતરપિંડીની રકમમાં પણ વધારો થવાની આશંકા છે ત્યારે મિતા ચાંદકની પૂછપરછમાં જ ચોંકાવનારા ખુલાસા થશે.જોકે, આ તમામ આક્ષેપો છે સત્ય શું છે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.