ગુજરાતના યુવાનો માટે ખાખી વર્દી પહેરવાની સુવર્ણ તક: હવે 3,000ના બદલે 12,993 જગ્યા પર સીધી ભરતી, જાણો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા 3000 ભરતીમાં જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ તરફથી વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરમાં પણ 241 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ, બંને ભરતી મળીને કુલ 12,993 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Gujarat Police News: ગુજરાત પોલીસ વિભાગમાં જવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા અગાઉ જાહેર કરાયેલી ભરતીની જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓને મંજૂરી આપવામાં આવતા, હવે 3,000ને બદલે કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.
20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગની મંજૂરી મળતા 23 નવેમ્બરના રોજ ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા સુધારેલી જગ્યાઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ મેગા ભરતીમાં લોકરક્ષક કેડરની 12,752 અને PSI કેડરની 241 જગ્યાઓનો સમાવેશ થાય છે.
કેડરની 241 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
લોકરક્ષકની સાથે-સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની 241 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પદ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએટ)ની ડિગ્રી હોવી ફરજિયાત હોવાનું કહેવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો
ગુજરાત પોલીસમાં થનાર આ મેગા ભરતી અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતના યુવાઓ થઈ જાઓ તૈયાર... આ માત્ર નોકરી નથી, પરંતુ સમાજની સુરક્ષાની એક મોટી જવાબદારી છે." આ સાથે જ તેમણે ઉમેદવારોને કોઈપણ પ્રકારની લાલચ આપનાર લેભાગુ તત્વોથી સાવધાન રહેવાની અપીલ કરી છે અને આજથી જ વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજના અભ્યાસમાં લાગી જવા પ્રેરણા આપી છે.
અરજી પ્રક્રિયા અને મહત્વની સૂચનાઓ
લોકરક્ષક કેડરની સુધારેલી જગ્યાઓની જાહેરાતમાં અગાઉની ભરતીના અન્ય નિયમો અને સૂચનાઓ યથાવત્ રાખવામાં આવ્યા છે. આ ભરતી માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. ભરતી સંબંધિત વધુ વિગતો, તારીખો અને સત્તાવાર સૂચનાઓ માટે ઉમેદવારોએ નિયમિતપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in પર નજર રાખવાની રહેશે.