SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

162 બેઠકોનો દબદબો છતાં ભાજપ કેમ બેબાકળી? આવતીકાલે 5 લાખ ભાજપીઓ ભેગા થશે, શાનો છે ડર?

Gujarat BJP : ગુજરાતમાં 162 ધારાસભ્યો સાથે મજબૂત સ્થિતિ ધરાવતી ભાજપે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં જ સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી છે. આવતીકાલે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે, જેમાં લાખો કાર્યકરો અને જૂના નેતાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરાશે. બીજી તરફ, VHPનો 6 ડિસેમ્બર સુધી હિન્દુ ચિંતક અભિયાન ચલાવી 15 લાખ લોકોનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક છે. તો યુવા મોરચાના કાર્યકરોને પણ મેદાનમાં ઉતરવા સૂચના અપાઈ છે.

Written By Dilip Chaudhary
Published: Nov 21, 2026, 17:54 IST | Updated: Nov 21, 2026, 18:23 IST
Join

Gujarat BJP : ગુજરાતમાં આપ અને કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે ત્યાં ખરેખર શું ભાજપની સ્થિતિ નબળી પડી છે. આ સવાલ એટલા માટે પણ છે કે મોદીની બેઠક બાદ ભાજપ એક્ટિવ થઈ ગઈ છે. સીએમ 3 દિવસ આદીવાસી બેલ્ટના ગામડાઓ ખૂંદી આવ્યા હવે ડેપ્યૂટી સીએમનો વારો છે. કાલે 5 લાખથી વધારે ભાજપીઓ એક દીવસે 182 વિધાનસભામાં ભેગા થશે તો આવતીકાલથી જ ભાજપની ભગીની સંસ્થા VHP હિન્દુત્વનો જુવાળ ફરી જગાવવા ગામડાઓ ખૂંદશે. ભાજપ હવે કાર્યકરોને એક વર્ષ પહેલાં સક્રિય કરી રહી છે ત્યારે કોંગ્રેસ અને આપની હજુ સુસ્તી ઉડી નથી. કોંગ્રેસે પેજ પ્રમુખ સામે વોટ રક્ષકની જાહેરાત તો કરી દીધી છે પણ કેટલી સફળ રહે છે એ તો આગામી દિવસો સાબિત કરશે. આપનું ભવિષ્ય પંજાબની ચૂંટણી પર ટકેલું હોવાથી સ્થાનિક નેતાઓ હાલમાં સોશિયલ મીડિયા પર સક્રિય દેખાઈ રહ્યા છે.

સરકારી ભરતીની તૈયારી કરતા લોકો સાવધાન! મહીસાગરમાં 58 ઉમેદવારો સાથે લાખોની છેતરપિંડી

ચૂંટણીના એક વર્ષ પહેલાં જ સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ

ગુજરાતમાં 92ના બહુમતી નંબર સામે 162 ધારાસભ્યો હોવા છતાં ભાજપ બેબાકળી બની છે. આપ અને કોંગ્રેસ પાસે વિપક્ષ બનવાની લાયકાત ધરાવતા ધારાસભ્યો ન હોવા છતાં ભાજપ એક વર્ષ પહેલાં સક્રિય થઈ છે. 2022માં 156 બેઠકો જીતીને રેકોર્ડ સર્જનાર ભાજપ ગુજરાતમાં દબદબો ધરાવે છે. આમ છતાં છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી અને અમિત શાહ સક્રિય થયા છે.

ભાજપમાં અંદરો અંદરની ખેંચતાણ બાદ પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી બેઠક બાદ જૂના ભાજપના નેતાઓ પણ સક્રિય થવા લાગ્યા છે. પીએમ મોદીએ ગાંધીનગર અને અમદાવાદના જૂના નેતાઓને મળીને બધુ સમૂસૂતરું હોવાનો મેસેજ પાસ તો કરી દીધો પણ ભાજપ આટલેથી ના અટક્યું અને સ્નેહમિલન કાર્યક્રમ કરીને નેતાઓનો મેળાવડો પણ યોજી લીધો. હવે આવતીકાલે ગુજરાતની 182 વિધાનસભા સીટો પર નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

જૂના નેતાઓને સક્રિય કરવા 182 વિધાનસભામાં સ્નેહમિલન

ભોજન સાથેના આ કાર્યક્રમમાં સરેરાશ એક મેળાવડામાં 2000થી 2500 લોકો પણ ભેગા થાય તો 5 લાખની આસપાસ કાર્યકરો અને નેતાઓ એક સાથે હાજર રહેશે. પીએમ મોદીએ આ સ્નેહમિલનને નામે જૂના જોગીઓનું માનપાન વધારીને ભાજપના નિષ્ક્રિય થઈ ગયેલા નેતાઓ અને કાર્યકરોને એક્ટિવ કરવાનો જુગાર ખેલ્યો છે. આ સ્નેહમિલનમાં પેજ સમિતિના પ્રમુખ સુધીને હાજર રહેવાના આદેશો છે. ભાજપનું આ સ્નેહમિલન એ એક શક્તિપ્રદર્શનની સાથે જૂના ઝગડાઓ ભૂલીને ફરી એક થવાનો મેસેજ છે.

VHP 15 લાખ લોકોને મળી હિન્દુત્વની લાગણી જગાડશે

આવતીકાલે ફક્ત આ મેળાવડો જ નહીં ભાજપની ભગીની સંસ્થા VHP આવતીકાલથી 6 ડિસેમ્બર સુધી એક હિંતચિંતક અભિયાન શરૂ કરી રહી છે. જિલ્લાના કાર્યકરોને 3 દિવસનો સમય આપવા માટે સૂચના અપાઈ છે. આ અભિયાન હેઠળ ક્ષેત્ર, પ્રાંત અને જિલ્લાના જવાબદાર કાર્યકરો પોતાના પ્રખંડોમાં પ્રવાસ કરશે અને લોકોનો વિશ્વાસ જીતવાની સાથે હિન્દુત્વની લાગણી જીતવાનો પ્રયાસ કરશે. આ અભિયાન અંતર્ગત દરેક હિન્દુ પાસેથી 20 રૂપિયાની નીધિ સ્વીકારવામાં આવશે. એવું કહેવાય છે કે ભાજપનું સંગઠન નબળું પડતાં હવે VHPને મેદાને ઉતારવામાં આવી છે. આ દિવસોમાં 15 લાખ લોકોનો સંપર્ક કરવાનો ટાર્ગેટ છે.

યુવા મોરચાના કાર્યકરોને પણ મેદાનમાં ઉતરવા સૂચના

આ સિવાય ભાજપના યુવા મોરચાના પ્રમુખોને પણ ઈસ્ત્રીબંધ ટાઈટ ઝભ્ભા પહેરીને ફરવા અને કાર્યક્રમોમાં હાજરી આપી ફોટોગ્રાફ પડાવવા કરતાં ફિલ્ડમાં ઉતરવાના આદેશો કરાયા છે. દેશમાં હાલમાં Zen Z ને આકર્ષવા દરેક પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે ત્યારે ભાજપને પણ ડર છે કે યુવા મતદારો હાથમાંથી સરકી ના જાય. ગુજરાતમાં ભલે એક વર્ષનો સમય હોય પણ ભાજપની તૈયારીઓ એવી છે કે જાણે થોડા મહિનાઓ બાદ ચૂંટણી હોય... આવતીકાલનો દિવસ ભાજપ માટે પણ એટલા માટે મહત્વનો છે કે સ્નેહમિલનના નામે જૂના મતભેદો ભૂલવાનો સમય છે. આ સ્નેહમિલનના કાર્યક્રમમાં મોટા નેતાઓથી લઈને નાનામાં નાના કાર્યકરોને હાજર રાખવાની સૂચના છે.

વિધાનસભા પહેલાં ડિસેમ્બરમાં 10 હજાર પંચાયતોની ચૂંટણી

ભાજપ માટે કહેવાય છે કે  ભાજપના પ્રાથમિક સભ્યો સવા કરોડની આસપાસ અને સક્રિય કાર્યકરો 1.5 થી 2 લાખની આસપાસ છે. સીઆર પાટીલના દાવાઓ પર ભરોસો કરીએ તો 15 લાખ પેજ પ્રમુખો અને 55 લાખ પેજ સમિતિના સભ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્નેહિલનના કાર્યક્રમમાં કેટલા કાર્યકરો હાજર રહે છે.  ગુજરાતમાં જિલ્લાપંચાયતો, તાલુકા પંચાયતો, મનપા કે નગર પાલિકાઓમાં ભાજપનો ભલે દબદબો રહ્યો પણ ડિસેમ્બરમાં 10 હજાર પંચાયતોની ચૂંટણી છે.

 ભાજપ કોઈ પણ સંજોગોમાં આ સમયે ભાજપ કાર્યકરોને એક્ટિવ કરી રહી છે. ભાજપ માટે આ ચૂંટણીઓ અતિ અગત્યની પણ એટલા માટે છે કે ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પહેલાં આ છેલ્લી ચૂંટણી છે. ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપના ઘટતા વર્ચસ્વ વચ્ચે ભાજપ એ પ્રયાસ કરશે કે ગામડાઓમાં સરપંચ પણ તેમની વિચારધારા ના જ હોય.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES