ચોમાસું બાદ શિયાળુ પાક પર સંકટ! સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદે વધારી ચિંતા, ખેડૂતોને હવે સરકાર પાસે મદદની આશા
કહેવાય છે કે, કુદરતના કોપ સામે સૌ કોઈ લાચાર છે. આ વર્ષે રાજ્યમાં અતિવૃષ્ટિ સ્વરૂપે કુદરતનો આ કોપ ઉતર્યો છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે. જ્યાં ખૂબ ઓછો વરસાાદ પડ્યો છે. જળાશયોમાં પાણીનો સંગ્રહ નથી અને બોર તેમજ કૂવા રિચાર્જ નથી થયા. અને આ સંકટથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે ખેડૂતો. કુદરતની આ થપાટની જગતના તાત પર કેવી રીતે અસર પડી રહી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
નરેશ ભાલિયા, જેતપુર : આ ચોમાસમાં ઓછો વરસાદ પડતા જગતના તાતની ચિંતા વધી છે. ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક ઓછી છે. બોર અને કૂવામાં પણ જળસ્તર ઓછા છે. જેથી ખેડૂતો સામે યક્ષપ્રશ્ન એ ઉભો થયો છે કે, આ સ્થિતિમાં શિયાળુ પાકનું વાવેતર કરવું તો કઈ રીતે?
ડેમ થઈ રહ્યા છે ખાલી
સૌરાષ્ટ્રમાં કુલ 83 ડેમ આવે છે. જમાં રાજકોટ જિલ્લાના ડેમમાં સરેરાશ 36 ટકા પાણીનો જથ્થો છે. મોરબી જિલ્લાના જળાશયોમાં સરેરાશ 67 ટકા પાણીનો જથ્થો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 65 ટકા પાણીનો જથ્થો છે. જામનગર જિલ્લામાં સરેરાશ માત્ર 10 ટકા જળસ્તર છે. તો દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર એક ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
અમદાવાદ: ખોખરામાં થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, ભત્રીજો જ નીકળ્યો હત્યારો!
સરકાર પાસે ખેડૂતોને મદદની આશા
શિયાળુ પાકના વાવેતર માટે હવે ખેડૂતોને તૈયારી કરવાની છે. પરંતુ જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં ખેડૂત માટે સિંચાઈનો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો વાવેતર કરે અને પુરતું પાણી ન ઉપલબ્ધ થાય તો ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા શિયાળુ પાક સંકટમાં મુકાઈ શકે છે. અને એટલે જ ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
ખેડૂતોને પાણી મળશે?
કુદરત તો રૂઠી જ છે. મુશ્કેલીઓ સામે દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોને આશા હવે માત્ર તંત્ર પાસે છે. જો સમયસર પાણી મળે તો જ શિયાળુ પાકનું વાવેતર થઈ શકે. નહીં તો ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પર પણ સંકટ ઉભું થઈ શકે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ખેડૂતોને સમયસર પાણી મળશે કે પછી વધુ એક સિઝનમાં ખેડૂતોને મુશ્કેલીને સામનો કરવો પડશે?