જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા
Ahmedabad : જામનગરમાં ACBએ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના નવરંગપુરા ઓડિટ ભવનમાં ફરજ બજાવતા ક્લાસ-2 આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાને 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મુસ્તાક દલ, જામનગર : જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઓડિટ ભવન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાને રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી ક્લાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
ફરિયાદી પાસેથી માગી હતી 8 લાખની લાંચ
મળતી માહિતી મુજબ, આરોપી વિનસકુમાર અમરચંદ સાવરીયા ઓડિટ ભવન, નવરંગપુરા અમદાવાદ ખાતે પીડી સેન્ટ્રલમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2024-25ના ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરી ક્લોઝ થઈ ગયા બાદ એસેસમેન્ટ ઓડિટ ફરીથી રિઓપન ન કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 8 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.
નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!
આ મામલે ફરિયાદી દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવતા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની ટીમે આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવા માટે ચોક્કસ સ્થળે ટ્રેપ ગોઠવી હતી.
ACBએ ક્લાસ-2 અધિકારીને રંગેહાથ ઝડપ્યા
આ છટકા માટે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં આવેલા ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે આરોપીની કારમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ACBની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી વિનસકુમાર સાવરીયા ફરિયાદી પાસેથી રૂપિયા 8 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ACBની ટીમે સંપૂર્ણ રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી
ACBની ટીમે લાંચ પેટે સ્વીકારેલી સંપૂર્ણ રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી હતી. સરકારી વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-2 કક્ષાના અધિકારી સામે થયેલી આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. હાલ ACB દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ટ્રેપ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર ACB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ACB એકમના અધિકારીઓ અને સ્ટાફે પણ કાર્યવાહીમાં મદદ કરી હતી. સમગ્ર કાર્યવાહી મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.