સુભાષ બ્રિજ દુર્ઘટનાના એક વર્ષ બાદ AMC સફાળું જાગ્યું: અમદાવાદના આ 14 બ્રિજનું થશે 'હેલ્થ ચેકઅપ'
Ahmedabad News: અમદાવાદના સુભાષ બ્રિજની દુર્ઘટનાના એક વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું. અમદાવાદના 14 બ્રિજનું 'હેલ્થ ચેકઅપ' કરાશે. બ્રિજની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા 13 પ્રકારના સેન્સર લગાવાશે. બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ પાછળ અંદાજે 50 કરોડ રૂપિયાનો ખર્ચ. વાઇબ્રેશન, વાહનોનું ભારણ, પવનની ગતિ અને દિશા સહિતના માપદંડોનું મોનિટરિંગ થશે. બ્રિજમાં તિરાડો, તાપમાન, ભેજ અને પાણીના સ્તરની પણ નોંધ રખાશે. ભૂકંપના આંચકા અને બ્રિજ પર વાહનોના ભારણની પણ તપાસ થશે. ત્રણ મહિના સુધીના આંકડાઓના આધારે તૈયાર બ્રિજની સ્થિતિનો રિપોર્ટ કરાશે.
Ahmedabad News: અમદાવાદ શહેરમાં બ્રિજની સુરક્ષા અને મજબૂતાઈને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજની દુર્ઘટનાના એક વર્ષ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના 14 જેટલા મુખ્ય બ્રિજ અને ફ્લાયઓવરનું 'હેલ્થ ચેકઅપ' કરવાનું આયોજન હાથ ધર્યું છે. આ માટે અંદાજે 50 કરોડના ખર્ચે અત્યાધુનિક 'બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ' લગાવવામાં આવશે.
બ્રિજની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા 13 પ્રકારના સેન્સર લગાવાશે
બ્રિજની વર્તમાન સ્થિતિ અને તેની મજબૂતાઈની સચોટ જાણકારી મેળવવા માટે બ્રિજ પર 13 પ્રકારના વિવિધ સેન્સર લગાવવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા બ્રિજ પર થતા સૂક્ષ્મ ફેરફારોનું પણ સતત મોનિટરિંગ થઈ શકશે, જેમાં બ્રિજમાં પડતી તિરાડો, વાઇબ્રેશન (ધ્રુજારી) અને ભૂકંપના આંચકાની અસર. બ્રિજ પરથી પસાર થતા વાહનોનું ભારણ અને તેની ક્ષમતા. પવનની ગતિ અને દિશા, તાપમાન, ભેજ તેમજ નદીના પાણીના સ્તરની નોંધ.
ત્રણ મહિના સુધીના આંકડાઓના આધારે તૈયાર કરાશે બ્રિજની સ્થિતિનો રિપોર્ટ
આ સેન્સર સિસ્ટમ કાર્યરત થયા બાદ સતત ત્રણ મહિના સુધી બ્રિજના વિવિધ આંકડાઓ એકત્રિત કરવામાં આવશે. આ ડેટાના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ દરેક બ્રિજની સ્થિતિનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાશે. આ રિપોર્ટના આધારે કયા બ્રિજને સમારકામની જરૂર છે કે કેમ, તે અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં વિલંબના કારણે અટવાઈ
જોકે, શહેરીજનોની સુરક્ષા સાથે જોડાયેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, આ નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં થયેલા વિલંબના કારણે અટવાઈ પડી છે.
આ બ્રિજોની મજબૂતાઈ અંગે રિપોર્ટના આધારે લેવાશે જરૂરી નિર્ણયો
AMC દ્વારા શહેરના મુખ્ય નદી પરના બ્રિજ અને વ્યસ્ત ફ્લાયઓવરની પસંદગી કરવામાં આવી છે, જેમાં એલિસ બ્રિજ, સરદાર બ્રિજ, નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ, દધીચિ ઋષિ બ્રિજ અને વાસણા-પીપળજ બ્રિજ. ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર, ગુજરાત કોલેજ બ્રિજ, હેલ્મેટ ફ્લાયઓવર, શિવરંજની ફ્લાયઓવર, એઇસી (સોલા) ફ્લાયઓવર અને રાજેન્દ્ર પાર્ક બ્રિજનો સમાવેશ થાય છે.